નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Monday, December 26, 2016

સાધુ વાણિયો અને ‘મરઘીના ઈંડાં જેવડો હીરો !’



એક હતો વાણિયો. એ શ્રીમંત હતો, પણ કંજૂસ હતો. બીજાને ઘેર સત્યનારાયણની કથા વંચાય ત્યારે એ ત્યાં હાજર થાય, પણ ક્યારે ? પ્રસાદ વહેંચવાનો હોય ત્યારે ! આરતીમાં એ પૈસો મૂકે નહિ, પણ પ્રસાદ લેવાનું ચૂકે નહિ. કહે કે આરતીમાં પૈસો નહિ મૂકવાથી હું ગુનેગાર થતો નથી, પણ જો પ્રસાદ ન લઉં તો ભગવાનનો ગુનેગાર થાઉં છું. કથામાં મહત્વની ચીજ કથા નથી, પણ પ્રસાદ છે.’ કોઈકે પૂછ્યું કે તમને કથા પર આટલો ભાવ છે તો તમે તમારે ઘેર કદી કથા કેમ વંચાવતા નથી ? ત્યારે એ કહે કે, ‘ભાઈ, એવાં મારાં ભાયગ ક્યાંથી ? પેલા સાધુ વાણિયાનાં સાતે વહાણ મધદરિયે હતાં, તેમ મારાંયે સાતે વહાણ હજી ભરદરિયે છે.’
આમ જ્યારે ત્યારે એ સાધુ વાણિયાનું દષ્ટાંત આપતો, એટલે લોકો એને જ સાધુ વાણિયો કહેતા. આ સાધુ વાણિયાના ઘરની બરાબર સામે એક પાનનો ગલ્લો હતો. એકવાર કેટલાક માણસો એ ગલ્લા આગળ ઊભા ઊભા વાતો કરતા હતા. અચાનક સાધુ વાણિયાની વાત નીકળી. એક જણ કહે : ‘જો કોઈ આ સાધુ વાણિયાને ઘેર જઈ ચા પી આવે તો હું એને દસ રૂપિયા આપું !’ બાજુમાં એક ગામડિયો ઊભો હતો, તેણે આ સાંભળીને કહ્યું : ‘અને કોઈ રીતસર એનો મહેમાન બની એને ઘેર જમી આવે તો ?’
આ સાંભળી પાનવાળો બોલી ઊઠ્યો : ‘તો હું એને રોકડા સો રૂપિયા આપું ! છે તારામાં હિંમત ? હોય તો બોલ ! પણ સાથે એટલી શરત કે જો તું હારે તો તારે મને સો રૂપિયા આપવાના !’
ગામડિયાએ કહ્યું : ‘વાત ન્યાયની છે, મને એ કબૂલ છે.’ પાનવાળો અને બે સાક્ષીઓ ગલ્લા પર બેઠા ને પેલો ગામડિયો સાધુ વાણિયાના ઘર ભણી ચાલ્યો.
સાધુ વાણિયો ઘરની પડસાળમાં હીંચકા પર બેઠેલો હતો. ગામડિયાએ કહ્યું : ‘શેઠ, આપ તો બાર બંદરના વેપારી; હીરાની આપને જેવી પરખ તેવી બીજા કોઈને નહિ, એટલે હું આપની સલાહ લેવા આવ્યો છું કે મરઘીના ઈંડા જેવડા હીરાના કેટલા રૂપિયા ઊપજે ? તમે વેચી આપશો ?’
‘મરઘીના ઈંડાં જેવડો હીરો !’ સાંભળી સાધુ વાણિયો ચમક્યો. કહે : ‘અહોહો ! ઝવેરભાઈ કે ! ઘણે દિવસે પધાર્યા ! આપણો તો ત્રણ પેઢીનો ઘરોબો !’ આમ કહી વાણિયાએ ગામડિયાનો હાથ પકડી એને પોતાની જોડે હીંચકા પર બેસાડ્યો ને પત્નીને હુકમ કર્યો : ‘મહેમાન માટે ઝટઝટ ચા લાવો !’
ચા પીતાં પીતાં ગામડિયાએ પાનના ગલ્લા સામે જોઈ મૂછમાં હસી લીધું. તેણે વાણિયાને કહ્યું : ‘હેં શેઠ, મરઘીના ઈંડાં જેવડા હીરાના કેટલા પૈસા આવે ? હજાર ? બે હજાર ?’
વાણિયાને થયું કે સાવ ગમાર માણસ છે, એની પાસેથી હીરો મફતના ભાવે પડાવી લઈ લાખો કમાઈ લઉં ! આ હોંશમાં ને હોંશમાં એણે શેઠાણીને હુકમ કર્યો : ‘શેઠાણી, ઝવેરભાઈને લાપશી જમાડો આજે ! ઘણે દહાડે આવ્યા છે.’
ગામડિયાએ કહ્યું : ‘સીધો જ તમારે ઘેર આવ્યો છું, શેઠ ! આપણો ત્રણ પેઢીનો સંબંધ – તે એમ કરો ને ! કોળા બટાકાનાં ભજિયાં થાય તો થવા દેજો !’
વાણિયાએ કહ્યું : ‘થાય તો – શા માટે ? થશે જ ! લાપશી સાથે ભજિયાં ઠીક રહેશે.’
સમયસર રસોઈ થઈ ગઈ. સાધુ વાણિયો કહે : ‘ઝવેરભાઈ, જમવા પધારો !’ સાધુ વાણિયાએ ખૂબ તાણ કરીને મહેમાનને જમાડ્યા. જમ્યા બાદ મુખવાસ મોં માં નાખી મહેમાન કહે :
‘શેઠ, હવે હું જાઉં ! પેલા પાનના ગલ્લા પર જરી પાન ખાતો જઈશ.’
વાણિયાએ કહ્યું : ‘ઉતાવળ શી છે ? સોદો પતાવીને જજોને !’
ગામડિયાએ કહ્યું : ‘શાનો સોદો ?’
વાણિયાએ કહ્યું : ‘પેલા હીરાનો – મરઘીના ઈંડાં જેવડા હીરાનો !’
એકદમ જોરથી હસીને મહેમાને કહ્યું : ‘ઓહ, એની વાત કરો છો ! તે શેઠ, વાત એમ છે કે મારી ઘરવાળી સાથે મારે શરત થઈ છે કે મરઘીના ઈંડા જેવડો હીરો મને જડે તો મારે એનાં પિયરિયાંને જમાડવાં અને જો એને જડે તો એણે મારાં સગાંને જમાડવાં ! એટલે હું તમને પૂછવા આવ્યો હતો કે એક હીરામાંથી આટલાં બધાં માણસો જમી રહે ખરાં ?’
વાણિયાએ ચિડાઈને કહ્યું : ‘પણ હીરો ક્યાં છે ?’
મહેમાને કહ્યું : ‘કમબખ્ત હીરો હજી મને કે મારી ઘરવાળીને જડ્યો નથી !’
હવે વાણિયો સમજ્યો કે આ ગામડિયો મને બનાવી ગયો ને મફતમાં મારે ઘેર મિષ્ટાન્ન જમી ગયો. તે ગુસ્સે થઈ બોલ્યો : ‘બદમાશ ! તું આવી રીતે લોકોને ઠગે છે ! ચાલ કચેરીમાં !’ વાણિયો મહેમાનને રાજાની કચેરીમાં ખેંચી ગયો. કચેરીમાં ગામડિયાએ બનેલી હકીકત વર્ણવી કહ્યું : ‘હીરાના લોભે સાધુ વાણિયાએ મારું નામ ઝવેરભાઈ પાડ્યું, ને ત્રણ પેઢીનો અમારો સંબંધ બતાવ્યો. બાકી મારી સાત પેઢીમાં કોઈનું નામ ઝવેરભાઈ નથી અને સાધુ વાણિયાને મેં આજે પહેલી જ વાર જોયો ! મારી પાસે હીરો છે એવું મેં એને કહ્યું જ નથી. મેં તો માત્ર એટલું જ પૂછેલું કે મરઘીના ઈંડાં જેવડા હીરાનું શું ઊપજે ? આવું પૂછવું એ ગુનો ગણાતો હોય તો એની સજા ભોગવવા હું તૈયાર છું.’ આ સાંભળી આખી સભા હસી પડી. રાજાએ કહ્યું : ‘આમાં તો ખોટી ફરિયાદ કરવા માટે સાધુ વાણિયો ગુનેગાર ઠરે છે.’
સાધુ વાણિયો કરગરી પડ્યો. રાજાએ એને દયા કરી જતો કર્યો. સાધુ વાણિયો ગામમાં ફજેત ફજેત થઈ ગયો. શરત પ્રમાણે પાનના ગલ્લાવાળા પાસેથી સો રૂપિયા લઈ ગામડિયો મોંએ સીટી વગાડતો પોતાને ગામ જવા ચાલી નીકળ્યો.




No comments: