નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Wednesday, December 07, 2016

● આજની બાળવાર્તા-કુવાની ચોકી ◆

એક જંગલમાં નાનું ઝરણું વહે. ચોમાસામાં તો એ છલકાઈને નદી જેવડું થઈ જાય. અને શિયાળામાં ઝરણું બની જાય. પણ ઉનાળામાં સાવ જ સુકાઈ જાય.

એ ઝરણું સુકાઈ જાય ત્યારે જંગલમાં રહેતાં પ્રાણીઓને બહુ તકલીફ પડે. પાણી વગર બધાંને જ્યાં ને ત્યાં ભટક્વું પડે. કેટલાંક તો તરસ્યાં મરી જાય.

આથી એક વાર જંગલનાં બધાં પશુ-પંખીઓની સભા મળી. અને એમાં બધાંએ વિચાર્યું કે, એક કૂવો ખોદીએ. એટલે કાયમ માટે પાણીનું સુખ થઈ જાય. બધાંને આ વાત ગમી ગઈ. બધાં કૂવો ખોદવા તૈયાર થઈ ગયાં.

અને એક જગ્યા નક્કી કરી બધાંએ કૂવો ખોદવા માંડ્યો. ચકલીથી માંડીને હાથી સુધીના જીવ માટી ખોદી ખોદીને દૂર ફેંકવા લાગ્યાં. જોતજોતામાં મોટો કૂવો ખોદાઈ ગયો. જેમ નીચે જતાં ગયાં તેમ તેમ ભીની ભીની માટી નીકળવા માંડી અને એક દિવસ પશુ-પંખીઓની મહેનત ઊગી નીકળી. કૂવામાં ઝરણ વહેવા લાગ્યાં... કૂવામાં પાણી આવી ગયું. પશુ-પંખીઓ તો આનંદથી નાચવા લાગ્યાં... ગાવા લાગ્યાં... કોલાહલ કરી મૂક્યો. બધાંએ પેટ ભરી ભરીને પાણી પીધું અને પાણીયે કેવું કોપરા જેવું મીઠું... !

પાણી ન પીવા દીધું શિયાળને. શિયાળ બહુ લુચ્ચું. એણે જરાય મદદ ન કરી. આથી બધાંને એના પર ખૂબ ગુસ્સો આવ્યો. બધાંએ નક્કી કર્યું કે, એને પાણી ન પીવા દેવું. ભલે પછી કૂવાની ચોકી કરવી પડે. પણ એને તો પાઠ ભણાવવાનો જ.

પહેલે દિવસ કૂવાની ચોકી કરવા સસલો ગોઠવાયો. રાત જામી. કોઈ પશુ-પંખી કૂવા પાસે ન હતું. સસલો આજુબાજુ ધીરે ધીરે ફર્યા કરતો હતો.

ધીરેથી શિયાળ કૂવા પાસે આવ્યું. અને છાનુંમાનું પાણી પીવા ગયું. ત્યાં સસલાએ એને જોયું, 'એ શિયાળ ! ખબરદાર જો પાણી પીધું છે તો !' સસલાએ તો બૂમાબૂમ કરવા માંડી : ' કૂવો ખોદવા તો એકે દિવસ દેખાયો ન હતો અને પાણી પીવા પહેલે દિવસે આવી ગયો કેમ ? પાણી પીવાની ગરજ હતી કૂવો ખોદવા આવવું હતું ને ! બધાંએ નક્કી કર્યું છે કે, તને આ કૂવામાંથી પાણી પીવા ન દેવું. એટલે હવે તારે અહીં આવવું જ નહિ. તને કોઈ સંજોગોમાં પાણી પીવા મળવાનું નથી. તારા લીધે તો આ કૂવા પર ચોકી બેસાડી છે. હવે તું ભાગી જા અહીંથી. નહિ જશે તો હું બૂમાબૂમ કરીને બધાંને બોલાવીશ. અને તારાં હાડકાં ખોખરાં કરાવી નાખીશ.'

'ના, સસલાભાઈ ! એવું નહિ કરતાં. મારે તો કંઈ પાણી પીવું નથી. આ તો તમારા માટે થોડી પાકી પાકી જોઈને બદામ લાવ્યો હતો.'

'બદામ ? ક્યાં છે બદામ ?' સસલાના મોંમાં પાણી આવ્યું. સસલાને બદામ બહુ ભાવતી હતી.

'પણે પેલા ઝાડની બખોલમાં મૂકેલી છે. સસલો તો ચોકી કરવાનું છોડીને તે ઝાડની બખોલમાં ગયો. અને ત્યાં જોયું તો ખરેખર મીઠી... પાકેલી બદામો હતી. તે તો ચપડ ચપડ... કરતો બદામ ખાવા માંડ્યો.

આ બાજુ શિયાળે પાણી પીધું અને ભાગી છૂટ્યું. સવારે બધાંએ જોયું તો કૂવા તરફ શિયાળનાં પગલાં દેખાયાં, બધાં પશુ-પંખીઓએ સસલાને પૂછ્યું, 'તું ચોકી કરતો હતો તે અહીં પેલું શિયાળ આવ્યું હતું ?'

સસલાને થયું કે, હું શિયાળે આપેલી બદામની વાત કરીશ તો આ લોકો મને ઠપકો આપશે. એટલે એણે વાત ફેરવીને કહ્યું,

'મને તો ઝોકું આવી ગયેલું એટલે શિયાળ આવ્યું હોય તો મને ખબર નથી. બાકી આમ તો મેં શિયાળને જોયું નથી.' બધાંને સસલા પર ગુસ્સો આવ્યો. પણ એ નાનો હતો એટલે બધાએ એને જવા દીધો.

બીજે દિવસે કાચબાનો વારો આવ્યો. બધાંએ તાકીદ કરી કે, હવે તો કોઈ પણ સંજોગોમાં શિયાળ કૂવાની નજીક આવવું ન જોઈએ. કાચબાએ તો કૂવાની બરાબર ચોકી કરવા માંડી.

મધરાત થઈ એટલે શિયાળ આવ્યું.

'કાચબાભાઈ ! કાચબાભાઈ ! બદામ ખાશો કે ?'

'ના ! મારે બદામ નથી ખાવી. તું અહીંથી ભાગ તો ! નહિ તો બૂમાબૂમ કરી બધાંને બોલાવીશ અને તારાં હાડકાં ખોખરાં કરાવી નાખીશ.' કાચબાએ તો કડકાઈથી કહ્યું.

'કાચબાભાઈ ! તમે કેમ આટલા ગરમ થઈ ગયા છો ! બદામ તો એકદમ પાકેલી અને મીઠ્ઠી છે. જુઓ, પેલી બખોલમાં. એક વાર ચાખી તો આવો !'

કાચબો સમજી ગયો કે, આ મને કૂવા પાસેથી દૂર કરવાની કોશિશ કરે છે. કાલે એણે સસલાને પણ આવું જ કહ્યું હશે. અને ચોક્કસ કાલે શિયાળ પાણી પી ગયું હશે. પણ આજે તો એને પાઠ ભણાવવો જ પડશે. કાચબાએ તો બૂમાબૂમ કરી મૂકી. જરા વારમાં બધાં ભેગાં થઈ ગયાં. અને શિયાળને એવો ખોખરો કર્યો... એવો ખોખરો કર્યો કે કૂવાની દિશામાં જોવાનુંયે ભુલાવી દીધું.

બસ ! તે દિવસથી કૂવાની ચોકી કાચબો કરતો આવ્યો છે. જ્યાં કૂવા ત્યાં કાચબો તો હોય જ.

'હે કુમારો ! કામચોરી કદી ન કરવી. બધાંને દરેક વાતમાં સાથ-સહકાર આપવો.'

No comments: