નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Saturday, April 11, 2015

● બાળ વાર્તા ◆ ઊંઘણશી ઊંટ ◆

કુંભારને જંગલમાંથી ઊંટ મળી ગયું. તે તો રાજીરાજી થઈ ગયો. લઈ આવ્યો તેને નગરમાં.
પણ ફાવ્યો નહિ. એ ઊંટ તેને કંઈ કામમાં આવ્યું નહિ. કેમકે એ તો ભારે ઊંઘણશી ઊંટ હતું. ઊંઘ્યા જ કરે. ખાતા, પીતા, ઊઠતાં, બેસતાં, ચાલતાં, દોડતાં.
ઊંઘે એટલે ઊંઘે. તેને ભાન પણ રહે નહિ કે તે ઊંઘે છે. કુંભારે તેને ચેતનવંતું બનાવવાના ઘણાં પ્રયાસો કર્યા. તેની આગળ ખાવાનું લઈને ચાલે, તેને પાછળથી ધક્કા મારે, તેને બીજા ઊંટ સાથે જોડી દે. બીજા ઊંટ પાસે ખેંચાવે! પણ ઊંટ એટલે ઊંટ. ઊંઘ એટલે ઊંઘ. ઊંટની ઊંઘ ઊંઘની ઊંટ. જાણે ઊંટોની દુનિયાનું તે કુંભકર્ણ હતું.
એક વખત ઊંટ માટલા લઈને જતું હતું. ઊંઘમાં લથડિયાં ખાતું ચાલે. માટલાં એક બીજાસાથે ટકરાતા રહે. તેમ ન તૂટે તો ભખ્ખ દઈને એવું બેસી પડે કે માટલાંનાં ઠીકરાં થઈ જાય!
એક વખત ઈંટો લઈને જતું હતું બેસી પડયું. ઊંઘી ગયું. ઈંટોનો ઢગલો થઈ ગયો. એક વખત તેની પર તડબુચ મૂક્યા. જુઓ મઝા! ઊંટ ક્યારે બેસી પડયું, ક્યારે ઊંઘી ગયું, તેની ખબર જ રહી નહિ. બધાં તડબુચ બુચ્ચ બની ગયા. કાગડાં કાબરને તો તડબુચની મિજબાની થઈ ગઈ. વળી એક વખત ટામેટા સીંચ્યા. ફચ્ચ! ટામેટાનું સૂપ તૈયાર થઈ ગયું. શ્વાન, બકરાં, ઘેટાંનો ભોજન સમારંભ ગોઠવાઈ ગયો. જેઓ ટા-મે-ટા ખાતા ન હતા, તે બધાં પણ ચાખવા ચાટવા લાગ્યા.
કુંભારને સમજ જ પડે નહિ કે આ ઊંટને કેમ જાગતું રાખવું. પડી રહેવા દીધું. એથી તો તે વધારે ઊંઘણશી બની ગયું.
એક વખત કુંભારને ત્યાં લગ્ન હતા. દીકરી પરણીને સાસરે જતી હતી. વર-કન્યાને બેસાડીને ગાડું સજાવ્યું, શણગાર્યું. હા. દીકરીને કંઈ ચાલતી સાસરે મોકલાય? વરઘોડિયા બેઠા. મહિલાઓ ગીત ગાઈ ગાઈને થાકી ગઈ પણ ઊંટ તો જ્યાંનું ત્યાં જ ઊભું ઊભું ઊઘતું જ રહ્યું. બહુ મારો તો થોડું ચાલે. પછી પાછું ઊંઘી જાય!
કુંભારની ભારે હાંસી થઈ. વર-કન્યાને ચાલતા જ જવું પડયું.
ફટકા તો પડે જ ને! પડયા. પણ ફટકા તો જાણે ઊંટને માટે હાલરડાં હા-આ-લા...
મફતમાં મળેલા માલનું એવું જ થતું હશે! કુંભાર કંટાળ્યો. દાદા-દાદીને જાત્રાએ જવુ હતું. ઊંટ-ગાડામાં મોકલી આપ્યા.
થોડી જ વારમાં ડોસા-ડોસી પાછા આવ્યા. બધાંએ પૂછ્યું ઃ ''એટલી વારમાં જાત્રા પતી ગઈ?''
''કેવી જાત્રા ને કેવું પુણ્ય?'' દાદા કહે ઃ ''આ તારા ઊંટને તો પાદરે પહોંચતાં જ બાર દિવસ લાગ્યા, ટેકરીએ પહોંચતા તેર દિવસ, ચોરે પહોંચતાં ચૌદ દિવસ, પહાડે પહોંચતાં પંદર દિવસ, બસ...''
''બસ એટલે?''
દાદી કહે ઃ ''બસ એટલે બસ. જાત્રા પૂરી. ઊંટની નીંદર-જાત્રા પૂરી જ ન થઈ.''
''પણ છે ક્યાં?''
''કોણ જાણે ક્યાં હશે?'' ડોસા-ડોસી કહે ઃ ''અમારો તો પાછા આવતાં દમ નીકળી ગયો. આવું ઊંટ તો કદી જોયું નથી, કદી નહિ.''
કુંભાર સોટી ચાબૂક લઈને નીકળ્યો. શોધ્યું ઊંટ. મારી મારીને તગેડી મૂક્યું. ઊંટ પહોંચ્યું પાછું જંગલમાં. ન ખાય, ન પીએ, ન હરે, ન ફરે, ન ચરે, ન ફરફરે!
એક સંત ત્યાંથી પસાર થયા. તેમણે ઊંટની દશા જોઈ. દયા આવી. પૂછયું ઃ ''અલ્ટા ઊંટ, શું થયું? કેમ આવું થઈ ગયું?''
ઊંટે પીઠ પરના ઘા બતાવ્યા. ખૂંધ પરના સોળ બતાવ્યા. પગ પરના નિશાન બતાવ્યા. રડીને કહે ઃ ''ભગવાન! કુંભારે મારી કેવી દશા કરી છે, જુઓ તો! મરવાનું જ બાકી રહ્યું છે!''
''મરે છે શું કામ?'' સંત કહે ઃ ''ગરદન લંબાવીને પાંદડાં ખાઈ લેને!''
''કેવી રીતે?''
''શું કેવી રીતે?''
''ઊંઘ આવી જાય છે.''
''હેં...!''
''હા ભગવાન'' ઊંટ કહે ઃ ''મને વરદાન આપો કે મારી ગરદન લાંબી થઈ જાય, લાંબી લાંબી, લાંબી કે જેથી હું બેઠાં બેઠાં ને પડયા પડયા જ ગરદન લાંબી કરીને ખાઈ લઉં, ઊંઘી જાઉં.''
સંત કહે ઃ ''જા. તેમ જ થશે. જેવી તારી ઈચ્છા, જેવું તારું નસીબ.''
ઊંટની ગરદન તો પહેલાં લાંબી હતી જ, હવે તો વધુને વધુ લાંબ્બી થતી ગઈ. એક જગાએ સૂતાં સૂતાં દૂર સુધીના ઝાડ સુધી ગરદન લંબાવે, બે-ચાર પાંદડાં ખાઈ લે, કે પાછી ઊંઘ શરૃ.
કોઈ વખત લાંબી ગરદન પરથી વાંદરાં દોડી જાય, કોઈ વખત બકરાં ગધેડાં, ઝીબ્રા ઝબકી જાય, કોઈ વખત વળી હરણ સાબર કે રીંછ રખડી જાય! ઊંટને કંઈ પરવા નહિ. તેને તો આ લાંબી ગરદન ફાવી ગઈ. જ્યાં ઝાડ દેખાય ત્યાં માથું લઈ જાય. બે-ચાર પાંદડાં મોઢામાં લે કે પાંદડાં ત્યાંનાં ત્યાં જ રહી જાય. ચાવે વળી કોણ? ઊંઘમાં ચાવવાનું ય રહી જાય!
આ વખતે ઝાડ વળી દૂર હતાં. પેલા વહોળાની પેલી પાર. ઝરણાંની સામી બાજુ. પણ ઊંટને ન નડી ખાડી કે ન નડયું પાણી. વહોળા પર થઈને ગરદન લંબાવી. સામી પારનાં બે-ચાર-છ પાં-દ-ડાં ખાધાં. હશે કે... ઊંઘ આવી ગઈ. ખાડીની આરપાર ઊંઘી ગયું. લંબ-ગરદન. પૂલ થઈ ગયો પાણી પર. નહેર પર લહેર થઈ ગઈ. જંગલનાં લોકો ઝાડનો પુલ બનાવે, તેવો આ ઊંટની ગરદનનો પૂલ થઈ ગયો.
જંગલનાં જંગલી લોકો જ નહિ, તમામે તમામ પશુ-પંખીઓ, જળચરો, સ્થળચરો, એ ગરદન પૂલ પર થઈને આવ-જા કરવા લાગ્યા. વાઘ સિંહ ચિત્તા દીપડાનેય ફાવી ગયું. પણ એક દિવસ વળી હાથીઓ એ પૂલ પરથી પસાર થયા. બરાબર વચમાં હશે અને ગરદન ઝૂકી ગઈ. પૂલ ડગમગી ગયો. બધાં જ હાથીડાંઓ પડયા પાણીમાં.

ઊંટને ગરદન પાછી ખેંચતાંય વેદના થઈ. હવે તે ઊંચી ગરદન રાખવા લાગ્યું. પણ ઊંચી ગરદને કંઈ ઊંઘાય! બે પાંદડાં ખાધાં નથી કે દોરડું પડે હેઠે.
એક વખત જીરાફને નડી ગઈ ઊંટની એ ગરદન. ઊંટ ઊંચે હશે, જીરાફ નીચે હશે ને પડી ઊંટની ગરદન. ખેંચા-ખેંચીમાં બન્ને લાંબી ગરદનો લડવા લાગી. એકબીજાને નડવા લાગી.
ગરદન-યુધ્ધ શરૃ થયું.
ગરદનની ફટકાબાજી ઝામી ગઈ.
બંનેની ગરદન એક બીજામાં ગૂંથાઈ ગઈ. ગાંઠ વળી ગઈ. કોની ગરદન કઈ, તેની ય ખબર રહી નહિ. અને ઊંઘણશી ઊંટ ઊંઘી ગયું. બન્ને લાંબી ગરદનોમાં ગૂથ્થા-ગૂથ્થી થઈ રહી.
જીરાફ ઊંટની લાંબી ગરદનને હટાવવા ઘણી કોશિશ કરે. પણ ઊંટની ગરદન તો જાણે મરેલો અજગર.
જીરાફને કંઈ સૂઝ્યું નહિ. તે દોડવા લાગ્યું. હવે માથે પડેલાં ઊંટને ખેંચીને કંઈ દોડાય? બાંધી ગરદને ઊંટ ખેંચાતું રહે? જીરાફ દોડે, ઊંટ જોડે, જીરાફ કૂદે, ઊંટ ઊછળે, જીરાફ ઝટકે, ઊંટ ફટકે. આવી દ્વિ-ગરદન દોડમાં ગાંઠ વધારે ગંઠાતી ગઈ.
અને... એક સિંહણની નજર પડી. વાહ! એક સાથે બે મિષ્ટાન્ન. મોઢામાંથી પાણી નીકળી નીકળીને વહેવા લાગ્યું.
સિંહણને થયું કે આ દોડતા અષ્ટપગી લંબૂસો પર આક્રમણ કરવું કેવી રીતે? જીરાફની બાજુથી, ઊંટની બાજુથી, કે પછી...?
સિંહણે વચમાંથી હુમલો કર્યો. પાછળથી અને વચમાંથી. એને એમ કે એકબાજુથી જીરાફ ઝાપટીસ, બીજી બાજુથી ઊંટ ઉડાવીશ.
પણ એ લંબજીવોની દોડ એવી હતી કે ઘડીમાં જાત ભેગી થાય, ઘડીમાં ભાત અળગી થાય. વારંવાર અથડાતી કાયા, દોડની દડદડતી માયા. ધડામ્મ... હા! ધડામ્મ...હાહા ! ધડામ્મ હાહાહા...!
સિંહણ તો બે બળિયા જીવોની વચમાં ભીંસાતી જ જાય. મોઢું ઊંટમાં મારે તો જીરાફની કાયા ઝટકો મારે, મોઢું જીરાફમાં મારે તો ઊંઘતાં ઊંટની કાયા ફટકો મારે.
સિંહણ આમ જ ટીચાતી હતી. તેને ખબર નહિ કે ઊંટ ઊંઘે છે ભલા દોડતું દોડતું કોઈ ઊંઘે? તેમાં ય ગરદન ગૂંથાયેલી હોય તો ય કંઈ ઓછું જ ઊંઘતું રહે?
જીરાફે જાણી લીધી હતી આ જોગવાઈ.ૅ એક વખત સિંહણ નીચે ખેંચાવા લાગી તો જીરાફે મારી એક જોરદાર લાત. લાંબી લાતની લાંબી લાત. સિંહણ ઊછળી ને ફેંકાતી હતી. ત્યાંજ વળી એક વાઘે દ્વિગરદન પર હુમલો કર્યો. બન્ને જોડાયેલી ગરદને તેને એવો ફેંક્યો કે ઉછળીને તે પડયો, પેલી સિંહણ પર.
ઘવાયેલી સિંહણ, વીફરેલો વાઘ. બન્ને એવા બાખડયા કે બચકમ બચ્ચા, ખા જાઉંગા કચ્ચા, સંભાલેગા કૌન, હમ હૈ શેર કા સચ્ચા, એકદમ સચ્ચા કા સચ્ચા.
ભૈ આ તો જંગલ રહ્યું. અહીં પ્રેક્ષકોને આમંત્રવા માટે કંઈ ઢોલ વગાડવાના ન હોય! ઝાડ પર વાંદરાઓ હતાં જ. વાંદરાથી વધારે નકલબાજ કોણ હોય છે? તેમને જોડાયેલી ગરદનનું કૌતુક થયું. હસી હસીને પડયા વાંદરાઓ, બન્ને જીવતી ગરદન પર.
પણ આ વળી ગરદન ક્યાં હતી? આ તો ગોફણ હતી. બેવડી ગરદનોએ શરૃ કરી ફેંકાફેંકી. વાંદરાંઓ જઈ પડયા વાઘ પર કે સિંહણ પર, કે બન્ને પર.
આકાશમાંથી વંદરાઓ પડતાં જ ગયા. જંગલમાં જંગ જામી ગયો.
આવો અદ્ભુત જંગ આકાશ જોયા વગર રહે? એક શકરા બાજે આ યુધ્ધ જોયું.
આવું રમખાણ જોવા કંઈક જંગલનાં જીવો બહાર નીકળી આવ્યા હતા. એક લાંબો અજગર આ તરફ આવતો જ હતો. પડયો બાજની નજરે. આકાશમાંથી પહાડ પડે એમ શકરાએ મારી ઝાપટ. સળવળતા સાપને પકડી લીધો બરાબર વચમાંથી.
શકરો બાજ ઊડયો આકાશે.
આકાશમાં બાજ અને અજગરનું યુધ્દ ચાલ્યું. છૂટી ગયો અજગર. ફેંકાઈ ગયો - બાજના પગમાંથી. જઈને પડયો પેલી બે ગરદન પર. ડરેલો સાપ. બન્ને ગરદન પર જોરથી ભીંસાઈ ગયો. બંધ કમર પટ્ટાની જેમ ચૂસ્ત ફીટોફીટ ફાંસલો બની ગયો.
ઊંટની ઊંઘ તો શેની ઊડે?
જીરાફનો જીવ અકળાયો. શ્વાસ રૃંધાયો. ઘાંટો ઘૂંટાયો, કંઠ કકળાયો.
આ તો એક જ જીવની દોડ હતી. એકલા જીરાફથી જ ઝગઝોડતા હતા. મુંઝાયા, ભીંસાયા, ફસાયા, અટવાયા, ખોટવાયા કે પડયા.
લાંબો સાપ સરરર સરકી ગયો.  તેને ફરી પકડવા શકરા બાજે તરાપો શરૃ કરી.
પણ પડી ગયેલા બે લાંબી ગરદનીયાનું શું થયું? જાણો છો?
ઊંઘણશી ઊંટ તો તોય ન જાગ્યું.
જીરાફ ઝઝૂમી ઝઝૂમીને થાકી હાંફી ગયું હતું. પડયું. ઊંઘી ગયું.
બે જણાંને ઊંઘતાં જોયા જંગલમાં જોવા આવનાર જીવોનેય બગાસાં આવ્યાં. ઝોકે ચઢ્યા. ઊંઘવા લાગ્યા. પેલા સિંહણ, વાઘ અને વાંદરાઓ લડીલડીને એવા થાક્યા ઘવાયા ચવાયા હતા કે તેમને ય ઊંઘ ચઢી.જંગલમાં ઊંઘનું સામ્રાજ્ય ફરી વળ્યું. નીંદ્રાદેવીનું શાસન શરૃ થયું. જે જોવા આવે તે બેસે, ઢળી પડે, ઊંઘી જાય. જ્યારે આખા જંગલ પર ઊંઘ ફરી વળી. ત્યારે વળી ઊંટ જરાક જાગી ગયું. સળવાયું. ટળવળ્યું, વળવળ્યું. પ્રયાસ કરી ગરદન ખેંચીને જુદી કરી. આજુબાજુનું દ્રશ્ય જોઈ અચરજ પામી ગયું. કુંભકર્ણ ઊંટ જાણી ગયું. હસી દીધું. ઊંઘમાં કેટલો પરિશ્રમ કર્યો હતો, તેનો થાક હવે લાગ્યો. ઊંઘની લડાઈ જાગતામાં જખમ જલાવવા લાગી. અંગો દુઃખવા લાગ્યા.
પડયા પડયા ખાવાની આદત હતી. છતાં ગરદન ઊંચી કરી. ઊંચી ઊંચી ઊંચે. એ ગરદન તો પેલા સંતને શોધતી હતી. તે કહે ઃ ''ભગવાન, ભગવાન! જુઓ આ બધું શું થયું જંગલમાં?''
ભગવાન તો હાજરાહજુર. તેઓ કહે ઃ ''ઊંઘ, આળસ ને અપલખ્ખણ, ત્રણેય ચેપી રોગ છે.

No comments: