>ફતેગંજ ઇએમઇ ખાતે કૂતરાનો આતંક એક વર્ષના બાળકને ગરદનથી પકડી લીધુ
વડોદરા,
શહેરના ત્રાસરૃપ બની રહેલા કૂતરાની જંગલિયતથી ઘાયલ થયેલા એક વર્ષના બાળકને એસએસજી હોસ્પિટલમાં સારવાર પૂરી પડાઇ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર અત્રે ફતેગંજમાં ઇએમઇ કવાર્ટરમાં રહેતા ઉપાધ્યાય પરિવારનો એક વર્ષનો પુત્ર યશ આજે સવારે ૮ના સુમારે ઘરમાં રમતા રમતા બહાર આંગણામાં પહોંચી ગયો હતો. એજ વખતે ત્યાં જઇ ચઢેલા એક કદાવર કૂતરાએ બાળકને ગરદનથી પકડી લીધુ હતુ.
કૂતરાની પકડમાં છટપટી રહેલા બાળકે રડારોળકરી મુકી હતી. આથી યશના કુટુંબીજનો ઘર બહાર દોડી આવ્યા હતા. ખાસ પડોશમાંથી અન્ય લોકો ભેગા થઇ જતાં કૂતરૃં બાળકને પડતું મુકીને ભાગી ગયું હતુ.
જો કે ત્યાં સુધીમાં બાળકના શરીર પર સંખ્યાબંધ જગ્યાએ બાળક કૂતરાના દાંત અને નહોરથી ઇજાગ્રસ્ત થઇ ચૂક્યું હતુ. લોહી લુહાણ થઇ ગયેલા યશને સારવાર માટે તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં એને હડકવા વિરોધી રસી મુકવા સહિત સઘન સારવાર શરૃ કરાઇ હતી.
વડોદરામાં સડકો - ગલી - મહોલ્લામાં રખડતા શ્વાનોનો ત્રાસ કેટલો ભયાનક થઇ પડયો છે એ યશ જેવા માસુમ બાળકની પીડા પરથી કલ્પી શકાય છે.
અગાઉ ગઇ તા.૨૫ એપ્રિલે શહેરના ખારીવાવ રોડ પર પોતાના મામાના ઘેર વેકેશનમાં આવેલા એક કિશોરને પણ ત્યાં રખડતા એક કુતરાએ બચકા ભરી લેતા એ ભારે જખ્ખી થયો હતો.એ અગાઉ મકરપુરા તીનરસ્તે આવેલી ભારતીય વિદ્યાભવન્સ જેવી પ્રતિષ્ઠિત શાળામાં વિદ્યાર્થીઓને કુતરાના આતંકનો ભોગ બનવું પડયું હતું, જેના પગલે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. એ સમગ્ર ઘટના શહેરના શિક્ષણ જગત માટે કલંકરૃપ બની રહી હતી.
આજે સાંજે ૫.૪૫ના સુમારે નાગરવાડા સ્થિત શારદા મંદિર વિદ્યાલયની પાછળની દીવાલના, રોડ પર પડતા ભાગને અડીને ઓછામાં ઓછા ૧૦ થી ૧૨ કુતરા બરાબર પંગતે જમવા બેઠા હોય એમ એક કતારમાં ગોઠવાયા હતા.. કુતરાની આટલી મોટી ફોજ સામે ત્યાંના રહીશો અને ખાસ તો બાળકોની સલામતીને ફક્ત ભગવાન જ સાચવી શકે.રાત્રે નોકરી પરથી છૂટીને ટુ વ્હીલર પર ઘેર જઈ રહેલા વાહનચાલકોની પાછળ દોડતા ભસતા કૂતરાઓ આતંક આખું વર્ષ વડોદરાવાસીઓ વેઠે છે.
શહેરના જીવદયાવાળા એને પ્રાણીરક્ષક સંસ્થાઓના સંચાલકો, મ્યુ. કોર્પોરેશન જે કામ કરી શકતું નથી એજ કૂતરાના બચકાથી અને પરિણામે હડકવાવિરોધી ઈન્જેકશનોની સોયથી - વડોદરાના માનવોને બચાવવાનનું કામ કરી બતાવશે તો હજારો શિશુઓના આશિષ આ સંસ્થાઓને મળશે.
No comments:
Post a Comment