ગુજરાતના ખેડા, પંચમહાલ, કચ્છ અને સાબરકાંઠામાં ડાયનાસોરની હયાતીના પુરાવા મળ્યા છે
રાજાસૌરસ નર્મદેન્સીસ નામના ડાયનાસોરની પ્રજાતિ અહીંયાથી જ મળી હતીઃ આજે રૈયોલીના ઢોળાવ ઉપર ઈંડાં અને જીવાશ્મિઓ મોજૂદ છે.
ખેડાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામથી રોડ ઉપર આગળ વધો એટલે એક ઢોળાવ આવે છે. તેની પાસેના પથ્થરોને નિરખો ત્યારે ઘડીભર માટે આશ્ચર્યમાં પડી જવાય છે. આ પથ્થર સામાન્ય ખામ કે ડુંગરના પથ્થરથી અલગ છે. રાખોડી અને રાતાશ રંગના મોટા પથ્થર ઉપર ઈંડા આકારની કોઈ વસ્તુ થીજી ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. એટલું જ નહીં પથ્થરમાં હાડકાના ટુકડા જેવો સખત પદાર્થ પણ જોઈ શખાય છે. અંદાજે ૭૦ એકરના એરિયામાં તમે જયાં પણ જાઓ ત્યાં પથ્થરની અંદર આ બંને વસ્તુ સામાન્ય છે.
તે જગ્યા એક સામાન્ય માણસ માટે ડુંગર છે, પરંતુ વિશ્વભરના પેલીઓન્ટોલોજિસ્ટો માટે તે સંશોધનનું કેન્દ્ર છે. આ જગ્યા છે ગુજરાતમાં આવેલું ડાયનાસોર ઘરઃ રૈયોલી. આ સાઈટ વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ડાયનાસોર સાઈટ છે. ડાયનાસોરના ઈંડાની હયાતીમાં રૈયોલી વિશ્વની બીજા નંબરની સૌથી મોટી જગ્યા છે. આ જમીનમાં આજે અનેક ઈંડા હયાત હોવાનું નિષ્ણાતો માને છે. રાજાસૌરસ નર્મદેન્સીસ નામના ડાયનાસોરની પ્રજાતિ અહીંયાથી જ મળી હતી. રાજાસૌરસ નર્મદેન્સીસ ડાયનાસોર વિશ્વમાં મધ્યપ્રદેશ અને ગુજરાતમાં જ હતા. આજે તમે રૈયોલીના ઢોળ ઉપર જુઓ ત્યારે ડાયનાસોરના ઈંડા અને જીવનશૈલીઓ સ્પષ્ટ દેખાય છે. પથ્થરની અંદરના ઈંડા થીજી ગયા છે. જે આજે સખત પથ્થર જેવા બની ગયા છે.
૧૯૮૧માં સૌપ્રથમવાર રૈયોલીમાં જીઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ડાયનાસોરના જીવાશ્મિને શોધી કાઢ્યા હતા. ડાયનાસોરની હયાતીમાં ગુજરાત ભારતમાં સૌથી મોટુ સેન્ટર છે. ગુજરાતમાં ખેડા, પંચમહાલ, કચ્છ અને સાબરકાંઠામાં ડાયનાસોરની હયાતીના પુરાવા મળ્યા છે. ગુજરાતમાં પથ્થરની સાથે સાથે લાકડામાંથી પણ ડાયનાસોરનાં ઈંડાં અને જીવાશ્મિ મળી આવ્યા છે.
No comments:
Post a Comment