'ખૂંખાર કૂતરા પણ ખાર રાખતાં નથી!'
આ વાર્તા રાજાની છે. આજના રાજાની પણ તે હોઈ શકે છે.
રાજા પાસે દશ કૂતરા. બધાં કદાવર ખૂંખાર ભયાનક. માણસ કરતાં કૂતરા કદાચ સસ્તા પડતાં હશે! રાજા એ કૂતરાઓનો ખાસ ઉપયોગ કરતા.
રાજા એ કૂતરાઓને ન્યાયમાં સાથે રાખતાં. કોઈ આરોપી ગુનેગાર સાબિત થાય તો તેની પર એ કૂતરા છોડી મૂકતાં, અથવા ગુનેગારને કૂતરા પાસે ફેંકી દેતાં.
રાજા ન્યાયપ્રિય હશે! એક વખત પોતાના પ્રધાન પર તેને શંકા ગઈ. શંકાને જ ન્યાય સમજી લીધો. પ્રધાન રાજાને પ્રિય હતો, છતાં રાજાએ ન્યાય પોકાર્યો : ''ફેંકી દો એને કૂતરા પાસે.''
પ્રધાન વિશ્વાસુ હતો. ખોટું આળ આવ્યું હતું. પણ સજા એટલે સજા. રાજાને વિનંતી કરી તો રાજા કહે : ''ન્યાય એટલે ન્યાય. ન્યાયમાં બધાં સરખા.''
પ્રધાન પાસે બચવાનો કોઈ ઉપાય રહ્યો નહિ. પણ તેણે એટલી વિનંતી કરી કે : ''રાજાજી, મને દશ દિવસની મહેતલ આપો. દશ દિવસ પછી હું જાતે જ હાજર થઈ જઈશ.''
પ્રધાન ગુનામાં આવ્યા હતા. ખોટું આળ આવ્યું હતું. પણ તેઓ વિશ્વાસુ હતા. રાજાએ દશ દિવસની મુદત આપી દીધી.
પ્રધાનજી તો છૂટીને પેલા કૂતરાવાળા પાસે ગયા. કૂતરાનો રખેવાળ કે રક્ષકને તેઓ કહે : ''દોસ્ત, કૂતરાઓની દશ દિવસ હું સેવા કરીશ. તારે રજા ભોગવવી હોય તો ભોગવી આવ.''
શ્વાનરક્ષક કહે : ''ના જી. તમે કૂતરાઓની કાળજી ભલે કરો. હું તો અહીં જ રહીશ.''
પ્રધાને તો કૂતરાઓની બરાબર દોસ્તી કરી. તેમને મનભાવતું ખવડાવે, પીવડાવે. તેમને સ્નાન કરાવે. તેમને ફરવા લઈ જાય. તેમને હાથ ફેરવીને બેસાડે, સૂવડાવે! તેમની સાથે પ્રેમભરી વાતો કરે. કૂતરાને તો આ નવા રખેવાળ વધુ ગમી ગયા.
એમ કરતાં દસ દિવસ વીત્યા.
રાજાનો હુકમ આવ્યો. પ્રધાનજી હાજર થયા. રાજાએ ન્યાય મુજબ કહ્યું : ''છોડી મૂકો આ દશેય કૂતરાને ગુનેગાર પર.''
દશેય ખૂંખાર કૂતરાઓ ઘેરી વળ્યા પ્રધાનજીને. ચારે બાજુ ફરે. પ્રધાનજીને ચાટે. પ્રધાનજી સાથે વાતો કરે. તેના ખોળામાં બેસે, સૂઈ જાય. તેમની આજુબાજુ રમત રમતાં બેસી ગયા. ખુશખુશાલ રીતે બેસી ગયા દશેય કૂતરા.
રાજાને નવાઈ લાગી. તેમણે પ્રધાનને જ પૂછયું : ''હંમેશા ગુનેગારને ફાડી ખાતા, આ કૂતરાઓ તમને કેમ લાડ કરે છે?''
પ્રધાનજી કહે : ''કેમકે, તેઓ જાણે છે કે શંકા કોઈ ગુનો નથી. હું ગુનેગાર નથી એટલે તેઓ મને ફાડી ખાતાં નથી.'' એટલો બોધ ઉચ્ચારી પ્રધાન કહે : ''રાજાજી, મેં દશ વરસ તમારી સેવા કરી તો તમે મને કૂતરાને નાખ્યો. જ્યારે દશ જ દિવસ મેં કૂતરાની સેવા કરી તો તેમણે મને મોતથી બચાવ્યો. હું આપને જ પૂછું છું રાજાજી, આપને કોઈ બોધ મળ્યો ખરો?''
થોડીક ક્ષણો વિચારીને રાજા કહે : ''મળ્યો. મળ્યો જ. મળી જ ગયો. હું જાણી ગયો કે રાજ્યમાં કૂતરાય વફાદાર કે વિશ્વાસુ નથી હોતા. પણ હું એનોય ઉપાય કરીશ એટલે કે ન્યાય કરીશ. મારી ભૂલ સુધારી નાખીશ.''
રાજાએ ન્યાય કર્યો. તેણે દશ કૂતરાને બદલી નાખ્યા. દશ કૂતરાના બદલામાં દશ ખૂંખાર મગરો રાખી લીધા.
No comments:
Post a Comment